ચોટીલા ડુંગર પર આજે પણ રાત્રે કોઈ રોકાવા દેવામાં આવતા નથી કારણ કે…
સૌરાષ્ટ્રની ધરા અમૂલ્ય અને અતુલ્ય છે! અહીંયા અનેક દેવી-દેવોના ચરણારવિંદ થી આ ધરતી પાવન થઈ છે, ત્યારે ચાલો આજે આપણે એક એવા જ પવિત્ર સ્થળ વિશે જાણીએ. જગત જનની જે લાખો ભાવિ ભક્તોની મનોકામનાઓપૂર્ણ કરે છે. એવા માં ચામડુંનું નિવાસ સ્થાન ચોટીલાનાં પાવન ઇતિહાસ વિશે જાણીએ.
જગપ્રસિદ્ધ ચામુંડા માતાજીનું મંદિર ચોટીલા પર્વતના શિખરે આવેલું છે. ભારતમાં મોટા ભાગના માતાજીના મંદિર પર્વતોના શિખરે જોવા મળતાં હોય છે.ચોટીલા પર્વત ચઢીને માતાજીના દર્શન કરવા માટે આશરે 635 જેટલા પગથિયા ચઢવા પડે છે. સમુદ્ર સપાટીથી તુલનાને ચોટીલા માત્ર સુરેન્દ્રનગર જિલ્લાની જ નહીં પણ, ગુજરાતની સૌથી ઊંચી ભૂમિ છે. ચોટીલા પર્વતની ઊંચાઈ આશરે 1173 ફીટ જેટલી છે.
શ્રી ચામુંડા માતાજીના મંદિરનો ઇતિહાસ :શ્રી ચામુંડા માતાજીનો ડુંગર હજારો વર્ષ જૂનો હોવાનો ઉલ્લેખ થાનપુરાણ નામના પુસ્તકમાં જોવા મળે છે.દેવી ભાગવત અનુસાર હજારો વષૅ પહેલા અહિં ચંડ અને મુંડ નામના બે રાક્ષસોનો બહુ જ ત્રાસ હતો. ત્યારે ઋષિ મુનીઓએ યગ્ન કરી આધ્યા શકિતમાંની પ્રાથૅના કરી ત્યારે આધ્યા શકિતમાંના હવન કુંડમાંથી તેજ સ્વરૂપે મહાશકિત પ્રગટ થયા. અને તે જ મહાશકિતએ ચંડ અને મુંડ નામના બે રાક્ષસોનો સંહાર કરેલ.
ત્યારથી તે જ મહાશકિત નું નામ ચંડી ચામુંડા તરીકે ઓળખાયેલ. અને ચંડી ચામુંડા માતાજીએ અનેક પરચાઓ પુરેલ છે. તેવી લોક વાયકાથી આજે પણ સાક્ષાત તેના ભકતજનો તપ અને ભકિત થી માં ચંડી ચામુંડા માતાજીની પુજા કરે છે. એક લોકવાયકા પ્રમાણે ડુંગર પર ભૃગુઋષિનો પણ આશ્રમ હતો.ચામુંડા માતાજીને રણ-ચંડી (યુદ્ધની દેવી) તરીકે પણ ઓળખવામાં આવે છે. માતા ચામુંડા દુર્ગાનું સ્વરૂપ છે અને તે શક્તિની દેવી છે. તેમની છબિમાં તેમની જોડિયા પ્રતિકૃતિ દેખાય છે કેમ કે તેમને ચંડી-ચામુંડા પણ કહેવામાં આવે છે. ચામુંડા માતાજીની છબિમાં તેમની ઓળખ મોટી આંખો તથા લાલ અથવા લીલા રંગના વસ્ત્રો તથા ગળામાં ફૂલોના હાર વડે થઈ શકે છે. તેમનું વાહન સિંહ છે.
ચોટીલા ડુંગર ઉપર વર્ષો પહેલા મંદિરની જગ્યાએ નાનો ઓરડો હતો. તે સમયે ડુંગર ચડવા પગથિયાં પણ ન હતા તો પણ લોકો માતાજીના દર્શન કરવા આવતા હતાં. આશરે ૧પપ વર્ષ (વિક્રમ સંવત ૧૯૧૦ થી ૧૯૧૬) પહેલા મહંત શ્રી ગોસાઇ ગુલાબગિરી હરિગીરીબાપુ ડુંગર ઉપર ચામુંડા માતાજીની પુજા કરતાં અને મંદિરના વિકાસના કર્યો કરતાં હાલ તેમના વારસદારો વંશ પરંપરાગત રીતે ચામુંડા માતાજીની સેવા પુજા કરે છે અને મંદિરે આવતા યાત્રાળુઓને સગવડતા મળી રહે તેવા કર્યો કરે છે. ચોટીલા ચામુંડા માતાજીના સ્થાને વિશેષ પરંપરા છે.
અહીં સાંજની આરતી બાદ ડુંગર ઉપરથી ભાવિકો-પૂજારી સહિત તમામ લોકો નીચે આવી જાય છે. રાત્રીના ઉપર કોઇ રોકાઇ શકતુ નથી. એક માત્ર નવરાત્રી દરમિયાન જ પૂજારી સહિત પાંચ વ્યકિતને ડુંગર ઉપર રાત્રી રહેવાની મંજુરી માતાજીએ આપી છે. ડુંગર પર મુખ્ય મંદિરમાં માતાજીના બે સ્વરૂપ છે. આ બે સ્વરૂપમાં ચંડી અને ચામુંડા બિરાજમાન છે, જેમણે ચંડ અને મુંડ નામના રાક્ષસોનો વધ કરેલો..