ભાવનગરના પ્રખ્યાત નરશીદાસના ગાંઠિયાનો પાકિસ્તાન સાથે આ ખાસ સંબંધ! જાણો કઈ રીતે આ ગાંઠિયા દેશ-વિદેશમાં પ્રખ્યાત બન્યા…
ભાવનગર આવ્યા અને જો અહીંયાના ગાંઠિયા નથી ખાધા તો તમારું ભાવનગર આવવું એળે ગયું.ભાવનગર જેવા ગાંઠિયા તો આખાય ગુજરાતમાં કદાચ ક્યાંય ના મળે. એમ પણ ભાવનગરમાં નરશી બાવાના ગાંઠિયા ગુજરાત અને દેશ વિદેશમાં પ્રખ્યાત છે. હાલમાં જ્યારે મોદીજી ભાવનગર આવ્યા ત્યારરે ગાંઠિયાનો ઉલ્લેખ કર્યો હતો. ચાલો અમે આપને આ ભાવનગરનાં ગાંઠિયાની ખાસિયત જણાવીએ.
તમને જાણીને નવાઈ લાગશે કે નરશીદાસ બાવાભાઈni ગાંઠિયાની દુકાન 102 વર્ષ જૂની છે. ભાવનગરમાં નરશી બાવાની કુલ ત્રણ બ્રાંચ આવેલી છે, જેમાં સૌથી જૂની દુકાન ખાર ગેટ વિસ્તારમાં આવેલી છે. આ વિસ્તાર આમ તો અમદાવાદના જ કોટ વિસ્તારની યાદ અપાવે તેવો છે. સાંકડી ગલીમાં આવેલી નરશી બાવાની દુકાન પહેલી નજરે તો કદાચ આપને દેખાય પણ નહીં.
હાલમાં 72 વર્ષના ભાયાભાઈ દુકાન ચલાવે છે અને આ દુકાનનું નામ તેમના પિતા નરશી બાવાભાઈ પરથી પડ્યું. તેમણે જ 1920માં આ દુકાન શરુ કરી હતી, અને આજે તેમની ત્રીજી પેઢી તેને ચલાવી રહી છે. નવાઈની વાત એ છે કે, 102 વર્ષ જૂની આ દુકાનના ગાંઠિયાનો સ્વાદ આજે પણ અકબંધ છે.
નરશી બાવા માંડ પંદરેક વર્ષની ઉંમરે હાલના પાકિસ્તાનમાં આવેલા કરાંચી શહેરમાં ગયા હતા, જ્યાં તેઓ ગાંઠિયા વણતા શીખ્યા હતા. કરાંચીમાં થોડો સમય રહ્યા બાદ તેઓ પુણે ગયા હતા, અને ત્યાં પણ થોડો સમય કામ કર્યું હતું. આખરે 1918ની આસપાસ તેઓ ભાવનગર આવ્યા, અને 1920માં તેમણે ખાર ગેટ વિસ્તારમાં પોતાની પહેલી દુકાન શરુ કરી. નરશીભાઈ નાની ઉંમરે ભાવનગરની ફુટપાથ પર ગાંઠિયા વણતા ત્યારે લોકો તેમને જોવા ભેગા થતાં. તેમના હાથમાં જાદુ હતો, અને તેમના જેવા ગાંઠિયા ભાવનગરમાં કોઈ નહોતું બનાવી શકતું.
1920માં જ્યારે નરશી બાવાએ પોતાની પહેલી દુકાન બનાવી તે વખતે તેનું ખોદકામ કરતાં એક શિવલિંગ મળ્યું હતું. જેને આજે પણ દુકાનમાં સાચવીને રાખવામાં આવ્યું છે, અને તેની પૂજા કરવામાં આવે છે. આ શિવલિંગ પાસે અખંડ જ્યોત પ્રગટાવવામાં આવી છે, અને તેમના પરિવારને ગાંઠિયાના ધંધામાં મળેલી સફળતાનું શ્રેય પણ તેઓ દુકાનમાંથી નીકળેલા સ્વયંભૂ શિવલિંગને જ આપે છે.
નરશી બાવાના વણેલા ગાંઠિયા આજે પણ હાથેથી જ વણેલા હોય છે. એટલું જ નહીં, નરશી બાવાની ચોથી પેઢીને પણ ગાંઠિયા બનાવવાની ટ્રેનિંગ અપાઈ છે.ભાવનગરનું પાણી જ એવું છે કે અહીંના જેવા ગાંઠિયા જેવો સ્વાદ બીજે મળવો મુશ્કેલ છે. ગાંઠિયા માત્ર ભાવનગરમાં જ વખણાય છે એવું નથી, ગુજરાત અને દેશના અલગ-અલગ શહેરોમાં પણ નરશી બાવાના ગાંઠિયા સપ્લાય થાય છે. એટલું જ નહીં, વિદેશમાં પણ આ ગાંઠિયા મોકલવામાં આવે છે. આમ તો ગાંઠિયા એકથી દોઢ મહિના સુધી ફ્રેશ રહે છે, પરંતુ વિદેશોમાં લોકો ફ્રીજમાં રાખી છ-છ મહિના સુધી ગાંઠિયાનો સ્વાદ માણે છે.